અમારા વિશે

ભૌગોલિક પરિચય :

અમારો બન્ની વિસ્તાર ઇન્ડો-પાક સરહદને અડીને આવેલો છે. કચ્છ સ્ટેટના તારીખ ૧૧/૦૧/૧૯૫૫ ના જાહેરનામાથી બન્નીને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યું. ૧૯૬૯ની મહેસૂલી ગામોની માપણી પ્રમાણે બન્નીનાં ૪૮ ગામોનું ક્ષેત્રફળ ૧૯૫૫૬૬.૩૮ હેકટર છે તથા ૨૦૦૫-૦૬ની સૂકા રણની માપણી પ્રમાણે રણ વિસ્તાર ૫૩૪૩૦.૮૮ મળી બન્નીનું કુલ ક્ષેત્રફળ ૨૪૮૯૯૭ .૨૬ હેકટર છે .જે કચ્છ જિલ્લાના પાંચ તાલુકાનાં ૪૨ ગામોની હદોને સ્પર્શે છે,

ઇતિહાસ :

અહીંના અહીના લોકો અંદાજિત ૭૦૦  વર્ષ પહેલાં  સિંધમાથી આવેલા હોવાથી અત્યારે પણ અહીં સિંધની સૂફી સંસ્કૃતિની અસર જોવા મળે છે. અહીંના લોકો સિંધી મિશ્રિત કચ્છી બોલી બોલે છે. મોટા ભાગના લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. જેમાં જત, મૂતવા, હાલેપોત્રા, રાયસીપોત્રા, હિંગોરજા,બંભા, સુમરા, નોડે, કોરાર, થેબા, વાઢા, શેખ તથા સૈયદ તેમજ હિન્દુ ધર્મમાં મેઘવાળ તથા વાઢા જેવા  સમુદાયો વસવાટ કરે છે જેની અંદાજિત વસતી વીશ હજાર જેટલી છે.

વ્યવસાય :

જૂના સમયમાં બન્ની વિસ્તારમાં લોકો ખેતી કરતાં. કહેવાય છે કે જ્યારે સિંધુ નદીનાં પાણી બન્નીમાંથી વહેતા ત્યારે અહીં ચોખાનું પુષ્કળ ઉત્પાદન થતું, પરંતુ ૧૮૫૬ના ભૂકંપને કારણે મોટા રણમાં કુદરતી રીતે બંધ (અલ્લાહ બંધ ) બની સિંધુ નદીએ વહેણ બદલતાં ખેતીને મોટો ફટકો પડ્યો, પરંતુ અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી જુદીજુદી જાતના છ ફુટ   સુધીની લંબાઈ ધરાવતા પુષ્કળ પ્રમાણમાં પોષણક્ષમ ઘાસ મળી રહેતાં. એટલે જ બન્ની એશિયાના સૌથી મોટો ઘાસિયા પ્રદેશ કહેવાય છે. સારા ચરિયાણ વિસ્તારને કારણે લોકોએ પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો.

પહેલાં ફક્ત કાંકરેજ અને સિંધી ગાયો પાળતા, કાંકરેજ અને સિંધી નસલના બળદો

મજબૂત બાંધાના હોય છે તેમજ તેના પગની ખરી નાની અને ઘોડા જેવી હોય છે જે તેની આગવી ઓળખ છે. અહીંના વાછરડાંની કાઠિયાવાડમાં ભારે માંગ રહેતી, ઘણા લોકોએ બળદના વેપારને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો. સમય જતાં ઉપરવાસ (પાવરપટ્ટી)માં સિંચાઈ માટે ઘણા ડેમ બનતા  દક્ષિણ તરફના ડુંગરોની નદીઓ મારફતે બન્નીમાં

આવતા પાણી બંધ થયાં. ઉપરાંત ગાંડા બાવળનું પ્રમાણ અતિશય વધી જતાં પૌષ્ટિક ઘાસનું પ્રમાણ ઘટ્યું. ગાંડા બાવળની ફળીઓ ખાવાથી ગાયોને નુકસાન થયું.  પરિણામે ધીરેધીરે લોકોએ ભેંસો પાળવાનું શરૂ કર્યું. હાલમાં મોટા ભાગના બન્નીનાં  પશુપાલકો ભેંસો પાળે છે. અહીંની ભેંસને બન્નીની કુંઢી ભેંસ કહેવાય છે, જેને  હાલમાં જ ભારતની ૧૧મી ઓલાદ તરીકે માન્યતા મળી.

મુખ્ય સમસ્યા:

બન્ની વિસ્તારમાં રક્ષિત જંગલ હોવાથી અહીંના ગામોને મહેસૂલી દરજ્જા પ્રમાણે ગામતળ, સીમતળ, ગૌચર કે ઘાસચારો ઉગાડવા માટે પણ જમીન ફાળવવામાં આવી નથી. ગામોનો પોતાની જમીન ઉપર કોઈ કાયદેસર અધિકાર નથી. આવી સ્થિતિ હોવાને કારણે પંચાયતો રહેણાંક માટેના પ્લૉટ ફાળવી શકતી નથી તેમ જ જમીન સંબધિત સરકારી યોજનાઓના ધારાધોરણ પ્રમાંણે લાભાર્થી હોવા છતાં લોકોને લાભ મળતો નથી.

સમસ્યા નિવારણ માટેના પ્રયત્નો :

ઘણી પંચાયતોએ ઉપરોક્ત બાબતે વર્ષોથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવવાથી ૨૦૦૫માં સંગઠિત થઈ. બન્ની પંચાયત પરિષદની રચના કરી અને બન્નીના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો શરૂ કર્યા.

પંચાયત પરિષદનું માળખું :

પંચાયત પરિષદમાં બન્ની વિસ્તારની ૧૯ પંચાયતોમાંથી કુલ ૯૫૦ સામાન્ય સભ્યો છે, કારોબારી સમિતિમાં ૪૦ સભ્યો છે, અને અમલીકરણ સમિતિમાં ૧૧ સભ્યો છે.

1 Response to અમારા વિશે

  1. Saro Prayas Karyo chhe. Photo gamyo. Abhinandan..!!!!

    Thoda vakhat pahela j Banni ma aavi ne gayo. Hodko joyu ho…!!!

    Sanjay

    Like

Leave a comment